અપકમિંગ / પ્રિયંકા ચોપરા ભારતીય મૂળની એક્ટ્રેસ મિન્ડી કાલિંગ સાથે ‘ઇન્ડિયન વેડિંગ’ પરની હોલિવૂડ ફિલ્મમાં કામ કરશે

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તેની આગામી હોલિવૂડ ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ માટે તે ઇન્ડિયન – અમેરિકન એક્ટ્રેસ મિન્ડી કાલિંગ અને રાઇટર – પ્રોડ્યૂસર ડેન ગોર સાથે જોડાઈ છે. આ એક ‘ઇન્ડિયન વેડિંગ’ પરનો કોમેડી ડ્રામા હશે. ફિલ્મ ‘યુનિવર્સલ પિક્ચર્સ’ના બેનર હેઠળ બનશે. ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મને મિન્ડી કાલિંગ રાઇટર ડેન ગોર સાથે લખશે અને તે ફિલ્મને ડિરેક્ટ પણ કરી શકે છે. ફિલ્મ વિશે જાહેરાત કરતાં પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કર્યું કે, બે મહિલાઓ જેને સારી સ્ટોરી કહેવાનું પેશન છે, તેમને તેમની સ્ટોરી તેમની રીતે કહેવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. અમે તમને બતાવીશું કે મોર્ડન, ગ્લોબલ અને ઇન્ડિયન હોવું શું છે.. સિનેમામાં મળીએ.

ફિલ્મની સ્ટોરી અમેરિકા અને ભારતમાં હશે જે ભારતના ‘ગ્રાન્ડ વેડિંગ’ની આસપાસ હશે. તેમાં બન્ને સંસ્કૃતિ વચ્ચે ટશલ થતી જોવા મળશે. આજના સમયમાં તેને ‘ક્રેઝી રિચ એશિયન્સ મીટ્સ માય બિગ ફેટ ગ્રીક વેડિંગ’ ગણાવી શકાય. પ્રિયંકા ચોપરા સોનાલી બોઝની ફિલ્મ ‘ધ સ્કાય ઇસ પિન્ક’માં જોવા મળશે. ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાઈરા વસીમ પણ સામેલ છે.