ઇમ્યૂનિટી બૂસ્ટર માટે આદુ, હળદર અને પાંદડાવાળી શાકભાજીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

શિયાળામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું આવશ્યક હોય છે. ગળામાં ખરાશ, શરદી-ઉધરસ સહિતના રોગો વારંવાર થતા હોય છે, તેવા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. શિયાળામાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આદુમાં એન્ટિ-ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે માંસપેશીઓમાં થતા દુખાવામાં રાહત આપે છે. એક ચમચી આદુના રસને એક કપ હળવા ગરમપાણીમાં નાખીને 2-3 મિનિટ ઉકાળવું જોઈએ. આ પાણીને ગાળીને દરરોજ પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

સવારે ખાલી પેટ અને ભોજન સાથે લસણનું સેવન કરવાથી ફાયદો થાય છે. લસણની 3-4 કળીઓને છૂંદીને પેસ્ટ બનાવો. તેમાં થોડી માત્રામાં મધ ભેળવીને સવાર-સાંજ તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને ખાંડ ભેળવીને રાતે 1 કલાક સૂતા પહેલાં પીવું જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. બજારમાં મળતી તાજી કાચી હળદરનું પણ શિયાળામાં સેવન કરવું જોઈએ. તાજી હળદરને પીસીને તેમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.

શિયાળામાં મેથી, પાલક સહિતની લીલાં પાંદડાંવાળી શાકભાજીનું સેવન કરવું જોઈએ. ગાજર, સરગવો, બીટ અને મશરૂમનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્યને ફાયદો થાય છે. મશરૂમ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. મશરૂમને બરાબર ધોઈને અને ઉકાળ્યાં પછી સેવન કરવું હિતાવહ છે. વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. મોસંબી, નારંગી, લીંબુ, આમળા, કિવીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ સહિતનાં પોષક તત્ત્વ હોય છે. શિયાળામાં સીતાફળનું દરરોજ સેવન કરવું જોઈએ. શિયાળામા સૂકી દ્રાક્ષ અને મધનું સેવન કરવાથી ફાયદો થાય છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાડકાઓના રોગીઓએ ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું જોઈએ.