ઉત્તર પ્રદેશની ઇન્સપેક્ટર લક્ષ્મી ચૌહાણે સરેન્ડર કર્યું

ઉત્તર પ્રદેશના એક બેંકના એટીએમમાંથી દોઢ કરોડ રૂપિયા લૂંટનારી ટોળીને પકડ્યા પછી એમાંના 70 લાખ રૂપિયા ગૂપચાવી જનારી મહિલા પોલીસ ઇન્સપેક્ટર લક્ષ્મી ચૌહાણે મેરઠ કોર્ટમાં સરેન્ડર કર્યું હોવાના અહેવાલ વહેતા થયા હતા. આ મહિલા પોલીસ ઇન્સપેક્ટર અને એના સાથી છ પોલીસ કોન્સ્ટેબલ સામે 70 લાખની ચોરીનો આરોપ જાહેર થતાં આ બધા નાસી ગયા હતા અને એેમના વિશે માહિતી આપનારને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે દરેકના માથા દીઠ 25 હજારના ઇનામની જાહેરાત કરી હતી. લક્ષ્મી ચૌહાણ અને એના સાથીઓ છેલ્લા એક માસથી નાસતા ફરતા હતા. જો કે ચારે બાજુ પોલીસની ભીંસ વધી રહી હતી એટલે ગમે ત્યારે પકડાઇ જવાનો ડર તેમના મનમાં હતો જ. ગાઝિયાબાદ જિલ્લાના એન્ટી કરપ્શન બ્યૂરોએ બુધવારે આ સાતે જણ વિરુદ્ધ કુર્કી વૉરંટ ઇશ્યૂ કર્યા હતા. ત્યારબાદ લક્ષ્મી ચૌહાણ અને એના સાથીદારોએ મેરઠ કોર્ટમાં સરેંડરની અરજી દાખલ કરી હતી. સાતે જણ મેરઠની કોર્ટમાં હાજર થયા હતા. બધાંને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.