કોહલીએ બેવડી સદી ફટકારતાં જ અનુષ્કા થઈ ગઈ ફિદા, જાહેરમાં કર્યો પ્રેમનો એકરાર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાની સામે પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ 254 રનની પારી રમી હતી. તેણે 7મી બેવડી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી લગાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. કોહલીએ વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરને પણ આ મામલે પાછળ પાડી દીધો છે. ભારતીય કેપ્ટન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી લગાવી દુનિયાનો ચોથો ખેલાડી બની ગયો છે. એટલું જ નહીં, ટેસ્ટ ક્રિકેટમાં તેણે 7 હજાર રન પણ પૂરા કરી લીધા છે. અને સચિન તેંડુલકર બાદ સૌથી ઝડપી રન બનાવનાર ભારતીય બની ગયો છે.

પુણેમાં કોહલીએ શાનદાર બેટિંગ કરતાં સૌ કોઈ તેનાં દિવાના બની ગયા છે. ફેન્સ જ નહીં પણ તેની પત્ની અનુષ્કા શર્મા પણ બહુ જ ખુશ જોવા મળી હતી. કોહલીએ બેવડી સદી ફટકારતાં જ અનુષ્કાએ સોશિયલ મીડિયામાં પોતાના પ્રેમ દર્શાવ્યો હતો. અનુષ્કાએ દિલનાં ઈમોજી સાથે વિરાટ કોહલીનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.

વિરાટ કોહલીના દમદાર બેવડી સદી અને મયંક અગ્રવાલની સદીની મદદથી ભારતીય ટીમે પાંચ વિકેટ પર 601 રન પર પોતાની પહેલી પારી ઘોષિત કરી દીધી હતી. પહેલી પારીમાં ભારતીય કેપ્ટને શાનદાર પારી રમીને અનેક રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા હતા. વિરાટ કોહલીની ટેસ્ટમાં આ 26મી સદી હતી.