ગૌરવ / દેશની ફર્સ્ટ ફિમેલ નેશનલ બાઈક રેસિંગ ચેમ્પિયન અલિશા અબ્દુલ્લાહ

યૂથ ઝોન ડેસ્ક: આપણા દેશમાં બાઈક રેસિંગ ફિલ્ડમાં અલિશા અબ્દુલ્લાહનું નામ મોખરે છે. ચેન્નાઈની 29 વર્ષીય અલિશા દેશની ફર્સ્ટ ફિમેલ નેશનલ રેસિંગ ચેમ્પિયન છે. તે ભારતની એકમાત્ર મહિલા સુપર બાઈક રેસર છે કે, જેણે નેશનલ ચેમ્પિયનશિપ 16 વર્ષની ઉંમરે જીતી છે અને અત્યાર સુધી 22 પુરુષોને હરાવ્યા છે.

11 વર્ષે પ્રથમ રેસ જીતી
અલિશાને નાનપણથી કાર રેસિંગ અને બાઈક રેસિંગમાં રસ હતો, પણ ત્યારે તેણે વિચાર્યું નહોતું કે તે આ જ ફિલ્ડમાં કરિયર બનાવશે. અલિશાએ 9 વર્ષની ઉંમરે ગો-કાર્ટિંગ રેસમાં ભાગ લીધો હતો અને આ રેસ 11 વર્ષની ઉંમરે જીતી હતી.

એકેડમીની સ્થાપના
વર્ષ 2016માં તેણે મહિલાઓ માટે અલિશા અબ્દુલ્લાહ રેસિંગ એકેડમીની સ્થાપના કરી. અલિશાને દેશમાંથી ઘણા બધા રેસિંગમાં કરિયર બનાવવા માગતા લોકો ફોન કરતા હતા, જેને લઈને તેણે આ દરેકના પ્રશ્નો અને તેમને મદદ કરવા માટે એકેડમીની સ્થાપના કરી.

પિતાનો સપોર્ટ
અલિશાને બાઈક રેસિંગનો વસો તેના પિતા તરફથી મળ્યો છે, તેના પિતા પણ ફેમસ બાઈક રેસર છે અને સાત વખત નેશનલ ચેમ્પિયન બની ચૂક્યા છે. આથી તેને હંમેશાં પરિવારનો સારો એવો સપોર્ટ મળતો રહ્યો છે. 18મા જન્મદિવસે અલિશાને તેના પિતાએ 600 ccનું સુપરબાઈક ગિફ્ટ કર્યું હતું અમે કહ્યું કે, તું રેસ કરવા જઈ રહી છે. 240 કિલો વજનની બાઈક જોઈને અલિશાએ તેના પિતાને કહ્યું કે, શું તમે મજાક કરી રહ્યા છો? પણ તે મસ્તી નહોતી અને એ પછીથી અલિશાએ એક પછી એક મેડલ પોતાને નામ કર્યા.

અલિશા મોટરસ્પોર્ટ એન્જિનિયરિંગ કોર્સ શરુ કરશે
અભ્યાસની વાત કરીએ તો અલિશાએ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં માસ્ટર કર્યું છે. તેણે કહ્યું કે, માત્ર રેસર હોવું કાફી નથી, પણ તે મોટરસ્પોર્ટમાં કેવી રીતે કરિયર બનાવી શકાય તે અંગે હું લોકોને કહેવા માગું છું. અલિશા અને હિન્દુસ્તાન એન્જિનિયરિંગ કોલેજ ભેગા મળીને ટૂંક સમયમાં શોર્ટ ટર્મ મોટરસ્પોર્ટ એન્જિનિયરિંગ કોર્સ શરુ કરવાના છે. આ કોર્સ કાર રેસ અને બાઈક રેસના દરેક ટેક્નિકલ ટર્મને કવર કરી લેશે.

પુરુષોને હરાવ્યા
અલિશાના રેકોર્ડ વિશે જણાવીએ તો, તેણે સુપરબાઈક પર 190 માઇલ્સ 285 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર ચલાવી હતી. આ રેસ વર્ષ 2009માં યોજાઈ હતી જેમાં તેણે 12 પુરુષોને પાછળ પાડી દીધા હતા. આ એક નહીં પણ અન્ય રેસમાં પણ તેણે અનેક પુરુષોને પાછળ પાડ્યા છે.

ટ્વિટર પર અલિશાના 14 હજાર ફોલોઅર્સ છે, તેના લેટેસ્ટ ટ્વીટમાં તેણે 22 ઓક્ટોબરે જીતેલ રેસનો ફોટો મૂક્યો છે. અલિશા પોતે તો નેશનલ લેવલ ચેમ્પિયન બાઈક રેસર છે જ, પણ આવનારા સમયમાં તે દેશની અન્ય છોકરીઓને કે જેને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે તેને પણ તૈયાર કરવા માગે છે.