છૂટાં પડયાં પછી પણ મળી શકાય!

ટીવી પર ચાલી રહેલા રિયાલિટી શો – નચ બલિયે વિશે આજે વાત કરવી છે. જેમાં દર વર્ષે સેલિબ્રિટી જોડીઓ – ડાન્સ માટેની કોમ્પિટિશનમાં ભાગ લેતી હોય છે. આ વર્ષે તેમાં જે આકર્ષણ જન્માવે તે એ છે કે, મોટા ભાગની જોડીઓ, હાલમાં કપલ્સ નથી. મતલબ કે ભૂતકાળમાં ક્યારેક તેઓ કપલ હતાં, હાલમાં નથી. કપલ્સ તરીકે ડાન્સ કરવો, તેમાં પણ ડાન્સના જે અઘરા ફેર્મ્સ છે તેમાં એકબીજા પર વિશ્વાસ હોવો પાયાની જરૂરિયાત હોય છે. જો એકબીજા પર વિશ્વાસ હોય તો જ તે સ્ટેપ્સ તમે પરફેર્મ કરી શકો. આ બાબત જોડીઓ માટે પડકાર રૂપ બની રહે છે. ભૂતકાળમાં તેઓ સાથે હતા અને હાલમાં નથી, તે માટે કોઈ ને કોઈ કારણો અચૂક હોવાનાં. જેમાં વિશ્વાસ તૂટવો એ સૌથી મહત્ત્વની બાબત હોય છે. તો હવે વર્ષો બાદ તે જ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખીને રિયાલિટી શોમાં ભાગ લેવો પણ એટલું જ પડકાર રૂપ બની રહે છે.

મિહિકા અને મિહિરના ડિવોર્સ થયાને ૧૦ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો છે. સંતાનમાં સુંદર એવી દીકરી. દીકરી મિહિકા પાસે રહે છે. બંને પોતપોતાના જીવનમાં ડિવોર્સ બાદ આગળ નીકળી ગયાં. મિહિરના જીવનમાં બીજું એક પાત્ર પણ ઉમેરાયું. જે સામે મિહિકાને કોઈ વાંધો ન હતો. રિયા પણ મોટી થતી જતી હતી. આગળ જતા મિહિકાને પણ તેની સાથે કામ કરતા વ્યક્તિ સાથે મિત્રતા બંધાઈ, જે પ્રેમમાં પરિણમી. મિહિકા અને મિહિર આજે પણ એકબીજાને મળે છે. બંને વચ્ચે લગ્નસંબંધ નથી, માત્ર મિત્રતા છે. સાથે બંને રિયાનાં માતાપિતા છે, જ્યારે રિયાની કોઈ પણ વાત આવે, રિયાની જરૂરિયાતની વાત આવે, રિયાને તેનાં માતાપિતા બંનેની જરૂર હોય ત્યારે એકપણ વાર એવું ન બન્યું હોય કે તેઓ સાથે હાજર ન રહ્યાં હોય! કેવા સંબંધો, જે તૂટયા બાદ પણ અતૂટ છે! આવા તો અનેક દાખલાઓ આજે આપણે સમાજમાં જોઈ શકીએ છીએ. કેટલાય કોલેજમાં બનેલાં કપલ્સ રિયલ લાઈફ્માં કોઈ ને કોઈ કારણસર લગ્નસંબંધમાં નથી જોડાઈ શકતાં. તેમ છતાં, તેમની વચ્ચેની આત્મીયતા, મિત્રતા, વિશ્વાસ એવા ને એવા જ હોય છે. તેમનાં બીજે ઠેકાણે લગ્ન થઇ ગયાં હોવા છતાં!

પહેલાંના દિવસો યાદ કરીએ તો સંબંધોનો અંત આવે એટલે લોકો એકબીજાની સામે પણ ન જુએ, જો ભૂલથી એક પ્રસંગમાં ભેગાં થઇ જાય તો સામસામે આવવાનું પણ માંડી વાળે. અમુક કિસ્સામાં તો વ્યક્તિને સ્વમાન એટલી હદે ઘવાઈ જાય કે શહેર છોડીને જતાં રહે અને બીજા શહેરમાં જઈને વસવાટ કરે. પતિ-પત્નીના સંબંધ તૂટે એ કલંકસમાન ગણાય. સગાઇ તૂટયા બાદ પણ બંને પક્ષે આવી જ હાલાકી ભોગવવવાની આવે. કદાચ એટલે જ ત્યારે લોકો સંબંધો અત્યાર જેટલી આસાનીથી નહોતા તોડી નાખતા! જો એક પક્ષની વ્યક્તિને બીજી વ્યક્તિની જરૂર હોય તો તેમના માટે ખૂબ જ મુશ્કેલ થઇ જતું કે સામેવાળી વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરે? પોતાના અહંને બાજુ પર મૂકીને જરૂર પડયે કડવાહટ ભુલાવીને પણ જીવનમાં જેની સાથે તકરાર કે મનમુટાવ થયો હોય તેમની સાથે કઈ રીતે કામ કરી શકાય તે તમે આજની યુવાપેઢી પાસે સર્વોત્તમ રીતે શીખી શકો. અત્યારે પહેલાં જેવી માનસિક વિચારધારા નથી રહી. આજની યુવાપેઢી આ બાબતે બહુ પ્રેક્ટિકલ થઇ ગઈ છે. આપણને અમુક બાબતે નથી બનતું તેવું એકબીજા સાથે તેઓ પહેલેથી જ સ્પષ્ટ કરી લે અને ત્યારબાદ આરામથી કામની વાતોય કરી લે અને કામ પણ જોડાજોડ કરી લે. આ બાબતે તમે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરનું ઉદાહરણ લઇ શકો. જો બંને હજુ પણ પોતાની વચ્ચેના અણબનાવને લઈને ચાલ્યા કરે તો બંને એકબીજા સાથે કામ જ ન કરી શકે. આ અણબનાવને જો તમે પકડી રાખો તો જીવનમાં છેવટે નુકસાન પણ તમને જ જાય. તમારો પોતાનો જ વિકાસ અટકી જાય. સામે આવતી તક તમે ઝડપી નહીં શકો. દીપિકા કેમ રણબીર સાથે તેનો પ્રેમસંબંધ આગળ ન વધ્યો એ જ વાત પકડીને બેસી રહે તો તેણી સાથે ક્યારેય પણ જીવનમાં બીજી ફ્લ્મિમાં કામ ન કરી શકે. આ નિર્ણયથી તેની કરિયરને કદાચ મોટું જોખમ પણ થઇ શકે. તેવી જ રીતે જો મિહિકા અને મિહિર પોતાની વચ્ચેના અણબનાવને પકડીને બેસી રહે તો પોતાની દીકરીના સારા ભવિષ્ય માટે પણ ક્યારેય સાથે નહીં થઇ શકે. અહીં વાત કરવાનો અર્થ એવો બિલકુલ પણ નથી કે તમે સામેવાળી વ્યક્તિની ભૂલ કે ખોટી વાતને ચલાવી લો, પરંતુ તેને એવી રીતે પણ પકડી પણ નથી રાખવાની કે જેથી તમારો અને તે વ્યક્તિનો વિકાસ અટકી જાય.