જાણો દહેશતખોર દીપડાની દહાડ આથમી ગઈ વનવિભાગે માર્યો ઠાર…

અમરેલી જીલ્લાના બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર દીપડો આજે પાંચમાં દિવસે ઠાર મરાયો હતો. છેલ્લા થોડા દિવસોમાં ખુંખાર દીપડાએ પાંચ સ્થળોએ હુમલા કરીને ત્રણ માનવીને ફાડી ખાધા હતા અને અને મહિલા સહિત બે લોકોને ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત ગૌશાળામાં ત્રણ વાછરડાનો પણ શિકાર કર્યો હતો. અંતે આજે બગસરાની ગૌશાળા નજીક જંગલખાતાની શાર્પશૂટર ટીમ દ્વારા માનવભક્ષી દીપડાને ઠાર કરાયો હતો. ખુંખાર દીપડાના ઠાર થવાથી બગસરા પંથકમાં લોકોએ રાહતનો દમ લીધો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને આખરે આજે સાંજે જંગલ ખાતા દ્વારા ઠાર કરવામાં આવેલો હતો. આજે સાંજના ૭ વાગ્યે બગસરાના ગૌશાળા નજીક આદમખોર દીપડો ફરી ચડી આવતા પાંચ દિવસથી તેને જ શોધી રહેલા જંગલ ખાતાના શાર્પશુટરો દ્વારા દીપડાને ઠાર કરવામાં આવેલો હતો. શાર્પશૂટર દ્વારા માત્ર એક જ ફાયરિંગથી દીપડાને ઢાળી દેવામાં આવેલો હતો. જંગલ ખાતા દ્વારા બગસરા પંથકના ગામડાઓમાં આ આદમખોર દીપડાને ઠાર કરવા છેલ્લા ૫ દિવસથી ઓપરેશન હાથ ધરાયું હતું અને આજે આ આદમખોર દીપડો ઠાર થતાં બગસરા પંથકના લોકોએ હાશકારો અનુભવીને રાહતનો દમ લીધેલો હતો.

ખૂંખાર દીપડો ઠાર થયાની વાતને પુષ્ટી આપતા અમરેલી કલેકટર આયુષ ઓક અને આરએફઓ એચ. જે. વાંદાનાએ જણાવ્યું કે, બગસરા પંથકમાં છેલ્લા થોડા સમયમાં પાંચ માનવી પર હુમલા કરનાર ખૂંખાર માનવભક્ષી દીપડાને ઠાર મારવાની પાંચ દિવસથી કવાયત ચાલુ હતી. ગત રાત્રે બગસરાની ગૌશાળામાં ત્રણ પશુઓનાં મારણ કરનાર દીપડો પણ એ જ હોવાનું સ્થળ તપાસમાં જણાયું હતું. જેથી એ દીપડો ફરી અહીં આવશે જ એવી શકયતા સાથે વન વિભાગનાં શાર્પશૂટર સાથેની ટીમને આજે સવારથી જ વોચમાં ગોઠવીને શોધખોળ પણ શરુ કરાઈ હતી. અંતે એ દીપડો આજે સાથે સાતેક વાગ્યાનાં અરસામાં ફરી ગૌશાળા નજીક દેખાતા જ વનતંત્રનાં શાર્પશૂટર દ્વારા ઠાર કરી નાંખવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણમાં આ જ દીપડો માનવભક્ષી હોવાનું જણાયું છે.

અત્રે ઉલ્ખનીય છે કે, આ આદમખોર દીપડાએ મોટા મુંજીયાસર, સુડાવડ અને બગસરાના મળી ત્રણ લોકોને ફાડી ખાધા હતા. અન્ય એક મહિલા સહિત બે લોકો ઉપર હુમલો કર્યો હતો. બાદમાં ગત રાતે બગસરાની ગૌશાળામાં ત્રણ પશુઓનાં મારણ કર્યા હતા. ઠાર કરાયેલો દીપડા ઉંમરમાં ૭ વર્ષનો હતો અને તેનું પોસ્ટપોર્ટમ કરવા જંગલ ખાતા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વળી, જંગલ ખાતા દ્વારા હજુ માનવ વસાહતો નજીક આવી ગયેલા અન્ય દીપડાઓને પકડવા રેસ્ક્યુ ચાલુજ રહેશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.