જાણો ભિલોડા PIની R&Bને નોટિસ, રોડના કારણે અકસ્માત થશે તો ગુનો નોંધાશે…

ભિલોડા વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થવાની સાથે અકસ્માતમાં ચાલકો અને રાહદારીઓનું મોત નિપજતા ભિલોડા પોલીસે નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ ભિલોડાને નોટિસ ફટકારી ભિલોડા વિસ્તારના રસ્તાઓ પર જરૂરી સિગ્નલ, રોડ પર સફેદ પટ્ટા મારવા તેમજ રોડ પર વાહનચાલકો માટે આડાશરૂપી ઝાડનો નિકાલ કરવાની તાકીદ કરી ૭ દિવસમાં રસ્તાઓ પર જરૂરી કામગીરી કરવામાં નહિ આવે તો અને અકસ્માતમાં રોડની કોઈપણ બેદરકારી જણાઈ આવશે તો માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારી સામે ગુનો નોંધાશે.

ભિલોડા પોલીસે સ્ટેશનના પીઆઇએ ભિલોડા વિસ્તારના ભિલોડાથી રાયસીંગપુર તથા ટાકાટુકાથી ભાણમેર, ઝાંઝરી બોર્ડર, વિપુર ગામ સુધી તથા ગંભીરપુરાથી વાઘેશ્વરી, મલાસા, થી મઉ સુધી તથા ધોલવાણી ત્રણ રસ્તા, મોહનપુર, રીંટોડા અને રાયપુરના પુલ સુધી તેમજ રીંટોડા ત્રણ રસ્તાથી હરિપુરા તેમજ ભેટાલી ચાર રસ્તાથી ખેરાડી તથા ભેટાલી ચાર રસ્તાથી ટોરડા સુધી તથા ટોરડાથી બુધરાસણ સુધીના રસ્તાઓ પર વળાંકો આવે છે. જે વળાંકમાં બમ્પ બનાવી ઉપર સફેદ પટ્ટાના સિગ્નલ તેમજ રેડીયમના સિગ્નલ દર્શાવતા બોર્ડ લગાવવા તેમજ ઝાડીઝાંખરા દૂર કરવા તાકીદ કરી છે. જો કાર્યવાહી નહીં કરાય તો ગુનો દાખલ કરાશે ની નોટિસ ભિલોડા પીઆઇ મનીષ વસાવાએ ફટકારી છે.

ભિલોડા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.ઓ પ્રદીપભાઈએ જણાવ્યું કે તૂટેલા રસ્તા માટે વડી કચેરીએ પેવર કામ માટે દરખાસ્ત મોકલી છે. રસ્તા પરના તોતીંગ ઝાડ માટે વનવિભાગને જાણ કરી સત્વરે દૂર કરવા માટે રજૂઆત કરી છે. જ્યારે રસ્તા પરના બમ્પ પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરી હાલ ચાલુ છે.