ધર્મ દર્શન ડેસ્કઃ 26 ડિસેમ્બરે ખંડગ્રાસ સૂર્યગ્રહણ રહેશે. આ વર્ષે ગ્રહણ દુર્લભ ગ્રહ સ્થિતિમાં થશે. વૃદ્ધિ યોગ અને મૂલ નક્ષત્રમાં થઇ રહેલાં આ ગ્રહણ દરમિયાન ગુરૂવાર અને અમાસનો સંયોગ બની રહ્યો છે. ધન રાશિમાં 6 ગ્રહ એકસાથે છે. ગ્રહોની આવી સ્થિતિ ત્રણ સદી પહેલાં બની હતી. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના ડો. ગણેશ પ્રસાદ મિશ્રા જણાવે છે કે, આવું દુર્લભ સૂર્યગ્રહણ 296 વર્ષ પહેલાં 7 જાન્યુઆરી 1723એ થયું હતું. ત્યાર બાદ ગ્રહ-નક્ષત્રો આવી સ્થિતિ 26 ડિસેમ્બર 2019માં રહેશે. ગ્રહણનો સમયગાળો 3.30 કલાકનો રહેશે.
આ સૂર્યગ્રહણ ભારત, શ્રીલંકા, સાઉદી અરબ, સુમાત્રા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને બોર્નિયોમાં જોવા મળશે. ઊટી, કોઈમ્બતૂર, શિવગંગા, તિરુચિરાપલ્લી, અલ હોફુફ અને સિંગાપૂરના થોડાં પ્રસિદ્ધ શહેરોમાં વલયાકાર સૂર્યગ્રહણ જોવા મળશે. તેમ જ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઈ, મૈસૂર, કન્યાકુમારી, રિયાદ, દોહા, અબૂ ધાબી, મસ્કટ, કુવૈત સિટી, કરાચી, કુઆલાલંપુર, જકાર્તા અને ભારતના થોડાં પ્રસિદ્ધ શહેરોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે.
26 ડિસેમ્બર ગુરૂવારે સૂર્યગ્રહણ વલયાકાર (અર્ધ-ચંદ્રાકાર) રહેશે, આકાશમંડળમાં ચંદ્રની છાયા સૂર્યના કેન્દ્ર સાથે મળીને સૂર્યની ચારેય બાજુ એક વલયાકાર આકૃતિ બનાવશે. આ ગ્રહણ પૂર્ણ રહેશે નહીં, કેમ કે, ચંદ્રની છાયા સૂર્યનો 97% ભાગ ઢાંકશે. આ સૂર્યગ્રહણનો સમયગાળો 3.30 કલાકનો રહેશે. ભારતમાં સૂર્યગ્રહણ સવારે 8.04 વાગ્યે મુંબઈ, થાણે અને અન્ય થોડાં શહેરમાં શરૂ થશે. ગ્રહણ પૂર્ણ થવાનો સમય અલગ-અલગ સ્થાને અલગ-અલગ રહેશે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં સવારે 10.56 વાગ્યે ગ્રહણ પૂર્ણ થઇ જશે. ચેન્નાઈ સહિત દક્ષિણ ભારતના થોડાં વિસ્તારમાં 11.19 વાગ્યા સુધી ગ્રહણ જોવા મળી શકે છે. ત્યાં જ, કોલકાતામાં સવારે 11.32 વાગ્યા સુધી ગ્રહણ જોવા મળી શકે છે. સૂર્યગ્રહણનું સૂતક 25 ડિસેમ્બર, બુધવારે સાંજે લગભગ 05.15 એ શરૂ થશે જે ગ્રહણ સમાપ્ત થતાં જ પૂર્ણ થઇ જશે.
ભાસ્કર એક્સપર્ટ પેનલઃ રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ પ્રસાદ મિશ્રા, ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટ અને પંડિત પ્રવીણ દ્વિવેદી. આ જ્યોતિષાચાર્યો પ્રમાણે લગભગ ત્રણ સદી બાદ આવું સૂર્યગ્રહણ જોવા મળશે, જેની અશુભથી વધારે શુભ અસર જોવા મળી શકે છે. જ્યાં-જ્યાં આ ગ્રહણ જોવા મળશે, ત્યાં-ત્યાં આર્થિક અને રાજનૈતિક રૂપથી સારી સ્થિતિ બનશે. સારો વરસાદ અને ખુશહાલી રહેશે. આ ખૂબ જ વિચિત્ર સંયોગ પણ છે જે લગભગ 300 વર્ષના અંતરમાં આવું ગ્રહણ જોવા મળી રહ્યું છે. જેનો પ્રભાવ બધા જ 9 ગ્રહો ઉપર થશે. તેમાંથી 7 ગ્રહ સીધા સૂર્યના સંપર્કમાં રહેશે.
ડો. મિશ્રા પ્રમાણે, 26 ડિસેમ્બરે મૂલ નક્ષત્ર અને વૃદ્ધિ યોગમાં સૂર્યગ્રહણ થશે. 296 વર્ષ બાદ દુર્લભ યોગ બની રહ્યો છે. આ દિવસે મૂલ નક્ષત્રમાં 4 ગ્રહ રહેશે. ધન રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, બૃહસ્પતિ, શનિ અને કેતુ રહેશે. આ 6 ગ્રહો ઉપર રાહુની પૂર્ણ દ્રષ્ટિ પણ રહેશે. તેમાંથી 2 ગ્રહ એટલે બુધ અને ગુરૂ અસ્ત રહેશે. આ ગ્રહોના એક રાશિમાં પહેલાં (વૃશ્ચિકમાં) મંગળ અને એક રાશિ આગળ (મકરમાં) શુક્ર સ્થિત છે. આ કારણે દ્વિર્દ્વાદશ યોગ બનવાથી તે 2 ગ્રહ પણ તેનાથી પ્રભાવિત થશે. આ પ્રકારે દુર્લભ સૂર્યગ્રહણમાં 7 ગ્રહોનો વિશેષ યોગ બની રહ્યો છે. આ પ્રકારે 9 ગ્રહ આ ગ્રહણથી પ્રભાવિત રહેશે.
જ્યોતિષના સંહિતા સ્કંધ પ્રમાણે, શુભ દિવસોમાં આવતી અમાસ શુભફળ આપે છે. 26 ડિસેમ્બર, ગુરૂવારે માગસર મહિનાની અમાસનો સંયોગ પણ 3 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં 29 ડિસેમ્બર 2016એ ગુરૂવાર અને અમાસ હતી. તેની સાથે જ 296 વર્ષ પહેલાં થયેલાં સૂર્યગ્રહણના દિવસે પણ ગુરૂવાર અને અમાસનો સંયોગ બન્યો હતો. આ સંયોગના પ્રભાવથી ગ્રહોની અશુભ સ્થિતિની અસર ઓછી થઇ જાય છે. તેનાથી સારી આર્થિક અને રાજનૈતિક સ્થિતિઓ બને છે.
રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ પ્રમાણે ગ્રહણના ફળ માટે પર્વ સ્વામીનો વિચાર કરવો જોઇએ. તેના પ્રમાણે આ ગ્રહણનો સ્વામી અગ્નિ છે. તેના ફળસ્વરૂપ અનાજ અને ધનપ્રાપ્તિમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. લોકોના ભય અને રોગનો નાશ થશે અને દેશના મોટા પદની જવાબદારીઓ પૂર્ણ થશે. દેશના મહત્વપૂર્ણ કાર્ય પણ સિદ્ધ થશે. ગ્રહણનો સ્પર્શ પૂર્વ દિશામાં હોવાથી પૃથ્વી ઉપર વર્ષા વધારે રહેશે તથા અશુભફળ સ્વરૂપે રાજપુત્રોને કષ્ટ તથા સ્ત્રીઓને પીડા થઇ શકે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે, ગ્રહણકાળમાં નક્ષત્ર મંડળનો વિચાર કરવામાં આવે તો ગ્રહણ સમયે વારુણ મંડળનો નક્ષત્ર રહેશે. તેના પ્રભાવથી વર્ષા વધારે રહેશે. અન્ન-ભંડારમાં વૃદ્ધિ થશે. વૃક્ષોમાં ફળ-ફુલ વધારે રહેશે તથા ગાયના ઘી-દૂધમાં વૃદ્ધિ થશે. દેશની જનતામાં આનંદ તથા રાજાઓમાં શાંતિ રહેશે. વારુણ મંડળનું ફળ પાંચ મહિનાની અંદર મળશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે ધન રાશિમાં ગ્રહણ હોવાથી બધી જ ઔષધીઓ તથા ઘાસ-ફૂલ અને અનાજમાં તેજી થઇ શકે છે. માગસર મહિનામાં ગ્રહણ હોવાથી દેશમાં સારો વરસાદ, અનાજ-ભંડાર અને સુખ વધશે. રસ અને ઊર્જા આપનાર તરલ પદાર્થોમાં વૃદ્ધિ થવાના પણ યોગ બની રહ્યા છે. પં. દ્વિવેદી પ્રમાણે, છ મહિનાની અંદર ગ્રહણનું ફળ પ્રાપ્ત થશે.
જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે 12માંથી 4 રાશિ માટે આ ગ્રહણ શુભફળ આપનાર રહેશે. ત્યાં જ અન્ય 8 રાશિ માટે અશુભ રહેશે. શુભ- કર્ક, તુલા, કુંભ અને મીન રાશિના લોકોને ગ્રહણના પ્રભાવથી સુખ, સફળતા, વિજય, આરોગ્ય અને ધનલાભ પ્રાપ્ત થશે. પદ-પ્રતિષ્ઠા મળશે. અશુભ- મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકો માટે સમય હાનિકારક રહેશે. આ 8 રાશિના લોકોને ધનહાનિ થઇ શકે છે. કામ ખરાબ થઇ શકે છે. માનસિક અને શારીરિક પરેશાનીઓ પણ થવાની આશંકા છે.