દોસ્તીમાં ડખો ; શિવસેનાએ મોદી સરકાર સાથે ફાડ્યો છેડો, અરવિંદ સાવતે આપ્યું રાજીનામું

આખરે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર આવતા શિવસેનાના કેન્દ્રિય મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું છે. આ સાથે જ ભાજપ અને શિવસેનાની લાંબી દોસ્તીનો અંત થઈ ચૂક્યો છે. સાવંતના રાજીનામા સાથે એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે મહારાષ્ટ્રમાં શિવસેના અન્ય કોઈ સાથે સરકાર બનાવશે પણ ભાજપ સાથે તો સરકાર બનાવશે જ નહીં. અરવિંદ સાવંતે રાજીનામું આપતા જ એ વાત કહી હતી કે, પ્રધાનમંત્રીને મેં પોતાનું રાજીનામું સોંપ્યું છે.કેન્દ્ર સરકારમાં શિવસેનાના એક માત્ર મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાની સાથે જ શિવસેનાએ અંતે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. રાજીનામું આપ્યાં બાદ પત્રકારોને સંબોધતા અરવિંદ સાવંતે ભાજપ પર પ્રહાર પણ કર્યા હતા, અને જણાવ્યું કે લોકસભા ચૂંટણી પહેલાં સરકારની રચના માટે એક ફોર્મ્યૂલા નક્કી કરાઈ હતી પરંતુ હવે આ ફોર્મ્યૂલાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે. સાવંતે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપે જૂઠાણાંનું વાતાવરણ ઊભું કરી રાખ્યું છે. શિવસેના હંમેશા સત્યની સાથે જ છે. એવામાં આવા ખોટા વાતાવરણમાં દિલ્હી સરકારની સાથે શું રહેવુ? અને તેથી જ તેઓએ કેન્દ્રમાંથી રાજીનામું આપ્યું છે.

શિવસેનાએ શરદ પવારના એનસીપી પક્ષ પાસે ટેકો માગ્યો હતો.પરંતુ આ બાબતમાં રીઢા પોલિટિશ્યન શરદ પવારે એવી શરત મૂકી હતી કે અમારો ટેકો જોઇતો હોય તો પહેલાં તમે એનડીએ છોડો.એટલે હવે ઉદ્ધવ ઠાકરેના ઇશારે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા અને ભાજપ સાથે બેસતા શિવસેનાના સાંસદો અને પ્રધાન રાજીનામું આપી દીધું છે. અરવિદ સાવંતે એવો દાવો કર્યો હતો કે અત્યારે સત્ય શિવસેના સાથે છે અને ભાજપ ખોટો છે. મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એક વખત ટ્વીટ કર્યુ છે. સંજય રાઉતે લખ્યું કે રસ્તાની ચિંતા કરીશ તો મંજિલને ખોટું લાગશે. સંજયની ટ્વીટ સ્પષ્ટ ઈશારો કરે છે કે શિવસેનાનું જે લક્ષ્ય છે તે મુખ્યમંત્રી પદનું છે અને તેના માટે તેઓ નવા રસ્તાઓ પસંદ કરવા માટે પણ તૈયાર છે.