ધરપકડ / વીડિયો રેકોર્ડિંગને લઈને કેનેડિયન મોડેલે ચૂંટણી આયોગ સાથે મારપીટ કરી, ધરપકડ કરાઈ

બોલિવૂડ ડેસ્ક: પોલીસ અને ઈલેક્શન કમિશનની ટીમ પર હુમલો કરવાના આરોપમાં બુધવારે મોડી રાત્રે એક કેનેડિયન મોડેલની ધરપકડ કરવામાં આવી. ગુરુવારે મોડેલને બાંદ્રા કોર્ટમાં હાજર કરવામાં આવી. જ્યાં કોર્ટને તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી. આ ઘટના મુંબઈની અંધેરી સ્થિત વીરા દેસાઈ રોડની છે. આરોપ છે કે બુધવારે બપોરે 12:30 કલાકે ઈલેક્શન કમિશનની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ ગાડીઓનું ચેકિંગ કરી રહી હતી. ટીમ ચેકિંગનું વીડિયો રેકોર્ડિંગ પણ કરી રહી હતી.

નાકાબંદી દરમ્યાન મોડેલ શીના લખાની (33)ની ગાડીને તપાસ માટે રોકવામાં આવી. મોડેલ ચેકિંગ માટે તો તૈયાર થઇ ગઈ પરંતુ તેણે વીડિયો રેકોર્ડિંગ કરવાની ના પાડી દીધી. આ દરમ્યાન તેની ઈલેક્શન કમિશનના અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા થઇ. આસપાસના લોકોએ આવીને મામલો સોલ્વ કર્યો. ત્યારબાદ મોડેલ ત્યાંથી જતી રહી.

ત્યારબાદ શીના અંદાજે 2 વાગ્યે તેના બે મિત્રો સાથે બાઈક પર ત્યાં આવી. તેણે ઈલેક્શન કમિશનના અધિકારીઓ સાથે ઝઘડો શરૂ કર્યો અને થોડાક જ સમય બાદ વાત મારપીટ સુધી પહોંચી ગઈ. બચાવ કરવા વચ્ચે પહોંચેલી પોલીસ ટીમ સાથે ધક્કા-મુક્કી કરી. આરોપ એવો પણ છે કે મોડેલના મિત્રોએ કમિશનનો કેમેરા લેવાનો પણ પ્રયાસ કર્યો. આ મામલે ચૂંટણી આયોગના અધિકારીઓનું કહેવું છે કે જો મોડેલને વીડિયો રેકોર્ડિંગથી વાંધો હતો તો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકતી હતી. કેમેરા ખેંચવો અને ધક્કા-મુક્કી કરવી એ સરકારી કામમાં બાધા પહોંચાડવી છે. ઘટના બાદ મોડેલને અંધેરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી. જ્યાં મોડી રાત્રે તેની વિરુદ્ધ આઇપીસીની ધારા 353,186,427,506 હેઠળ કેસ ફાઈલ કરીને ધરપકડ કરવામાં આવી.