પાકિસ્તાન / દુષ્કર્મ બાદ ડોક્ટર નમ્રતા ચંદાનીની હત્યા કરાઇ હતી, પોસ્ટમોર્ટેમ રિપોર્ટમાં ખુલાસો

કરાચી: પાકિસ્તાનમાં મેડિકલ સ્ટુડન્ટ નમ્રતા ચાંદનીની હત્યા કરવામાં આવી હતી. ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હત્યા પહેલા નમ્રતા સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હતું. નમ્રતાનો મૃતદેહ 16 સપ્ટેમ્બરના સવારે તેની હોસ્ટેલના રૂમમાં મળ્યો હતો. ગળામાં દોરડું બાંધેલું હતું. નમ્રતાનો ભાઇ વિશાલ પોતે કરાચીમાં જાણીતો ડોક્ટર છે. આ મૃતદેહ જોઇને વિશાલે કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. બીબી આસિફા મેડિકલ કોલેજ પ્રશાસને આ ઘટનાને આત્મહત્યા ગણાવી હતી.

નમ્રતાનો ફાઇનલ ઓટોપ્સી રિપોર્ટ બુધવારે ચાંદકા મેડિકલ કોલેજ હોસ્પિટલે જાહેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે નમ્રતાની હત્યા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું ગળુ દબાવવામાં આવ્યું હતું. રિપોર્ટ પર સીએમસીએના લીગલ ઓફિસરની સહી છે. આ પહેલા 30 ઓક્ટોબરે નમ્રતાનો ડીએનએ રિપોર્ટ સામે આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે નમ્રતાના શરીર અને કપડા પર પુરુષ ડીએનએના અંશ મળ્યા છે જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે ઓટોપ્સી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હકીકતમાં નમ્રતાની હત્યા બાદ કોલેજ પ્રશાસને તેને આત્મહત્યા ગણાવી હતી. બીજી તરફ નમ્રતાના સર્જન ભાઇ વિશાલે તેને સો ટકા હત્યા ગણાવી હતી. નમ્રતાનો મૃતદેહ તેના રૂમમાં બેડ પર મળ્યો હતો. મોઢું નીચે લટકેલું હતું. ગળામાં દોરડું બંધાયેલું હતું. આ ગાળિયામાં લટકવું અસંભવ હતું કારણ કે લંબાઇ ઓછી હતી. રૂમ અંદરથી બંધ હતો પરંતુ ગ્રિલ વાળી બે બારી ખુલી હતી. બે વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બે દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.