પાક.ની એક્ટ્રેસ મેહવિશ હયાત પરાડા સોન્ગ માટે આલિયા ભટ્ટ ઉપર ભડકી

આલિયા ભટ્ટે પરાડા સોન્ગથી પોતાનો મ્યૂઝિક વીડિયો ડેબ્યુ કર્યો. આ ડાન્સ નંબરને ફેન્સ સહિત બોલિવૂડ સેલેબ્સે પણ બહુ પસંદ કર્યો, પણ પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાત પરાડા સોન્ગ માટે આલિયા ભટ્ટ પર ભડકી ગઈ છે. મેહવિશે બોલિવૂડ પર પાકિસ્તાની ગીતો ચોરવાનો આક્ષેપ મૂક્યો છે. મેહવિશે દાવો કર્યો છે કે આલિયાનું પરાડા સોન્ગ પાકિસ્તાની આલબમ ‘વાઇટલ સાઇન’ના ‘ગોરે રંગ કા જમાના…’થી મળતું આવે છે. બન્ને ગીતની સામ્યતાની વાત પહેલા ટ્વિટર પર યૂઝર્સે ઉઠાવી. પછી મેહવિશ હયાતે બોલિવૂડ પર નકલનો આક્ષેપ કરતાં ટ્વિટ કર્યું કે આ બહુ આશ્ચર્યજનક છે. એક બાજુ બોલિવૂડ દર વખતે પાકિસ્તાનને ગાળો આપે છે, તિરસ્કાર કરે છે અને બીજી બાજુ એ સતત અમારાં ગીતો ચોરી રહ્યું છે. કોપીરાઇટનું ઉલ્લંઘન અને રોયલ્ટીના પેમેન્ટ સાથે તેમને કોઈ મતલબ જ નથી. થોડા દિવસ પહેલાં મેહવિશે શાહરુખ ખાનને વેબ સિરીઝ ‘બાર્ડ ઓફ બ્લડ’ માટે ઝાટક્યો હતો.