પ્રેરણા / 43 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી 17 વર્ષીય બિલી આઇલિશે 8 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું

યૂથઝોન ડેસ્ક: 2016માં લોસ એન્જેલસની 14 વર્ષીય ડાન્સર અને મ્યુઝિશિયન બિલી આઇલિશે તેનું પહેલું ગીત ‘ઓશન આઇઝ’ મોડી રાત્રે સાઉન્ડક્લાઉડ પર રિલીઝ કર્યું. તે તેને માત્ર પોતાની ડાન્સ ટીચરને સંભળાવવા માગતી હતી. બીજા દિવસે સવારે બિલી સૂઇને ઊઠી તો તેણે જોયું કે તેનું ગીત સ્ટ્રીમિંગ પર વાઇરલ થઇ ચૂક્યું છે. બસ અહીંથી તેની સફળતાનો સિલસિલો શરૂ થયો. બિલીનો જન્મ 2001ની 18 ડિસેમ્બરે કેલિફોર્નિયાના લોસ એન્જેલસ શહેરમાં થયો હતો. અહીં તે તેના માતા-પિતા સાથે રહેતી હતી. તેના માતા-પિતા પેટ્રિક ઓ’કોનેલ અને મેગી બેયર્ડ બન્ને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હતા. બાળપણમાં બિલીએ ક્યારેય સ્કૂલમાં એડમિશન નહોતું લીધું. તેણે ઘરે જ અભ્યાસ કર્યો. સમયનો અભાવ ન હોવાના કારણે તે ઇતર પ્રવૃત્તિઓમાં પણ રસ લેતી હતી. માત્ર 8 વર્ષની ઉંમરે જ બિલી લોસ એન્જેલસના ચિલ્ડ્રન્સ કોરસમાં જોડાઇ ગઇ હતી. ત્યાં તે 3 વર્ષ સુધી રહી. આ લોસ એન્જેલસના બાળકો માટે જ બનાવાયેલી સંસ્થા હતી.

બિલીને સંગીતમાં બહુ રસ હતો. તે બાળપણમાં બીટલ્સને સાંભળ્યા કરતી હતી. માત્ર 11 વર્ષની ઉંમરે જ તેણે ગીતો લખવાનું શરૂ કરી દીધું હતું. બિલીએ ઘણી શોર્ટ ફિલ્મ્સ પણ બનાવી છે. તે તેના કેમેરાથી જ આ શોર્ટ ફિલ્મ્સ બનાવતી અને તેમને એપલની વીડિયો એડિટિંગ એપથી જાતે જ એડિટ પણ કરી લેતી. એક્ટિંગ અને મ્યુઝિક ઉપરાંત તેને ડાન્સનો પણ શોખ હતો. તે ટીનએજમાં ડાન્સ પણ શીખી હતી. આટલી બધી સ્કિલ્સ સાથે તે શો બિઝનેસમાં કંઇક મોટું કરવાનો ઇરાદો ધરાવતી હતી. બિલીની માતા પણ ગીતો લખતી હતી અને પિતા મ્યુઝિકના જાતજાતના વાદ્યો બનાવતા હતા. મોટા ભાઇ ફીનિસને પણ સંગીતમાં ઓછો રસ ન હોતો. તેનું પોતાનું એક બેન્ડ હતું અને તે પણ તેના બેન્ડ સાથે મળીને ગીતો લખતો હતો. એવું કહી શકાય કે બિલીને ઘરના સભ્યોને જોઇને જ સંગીતમાં રસ જાગ્યો હશે. બિલી ઘરમાં સંગીતને જીવતી હતી.

બિલીની કરિયરની શરૂઆત 2015માં થઇ કે જ્યારે તેણે તેનું પહેલું ગીત ‘ઓશન આઇઝ’ રેકોર્ડ કર્યું, જે તેના ભાઇએ લખ્યું હતું. આ ગીત બિલી પાસે રેકોર્ડ કરાવવાનું પણ તેના ભાઇએ જ કહ્યું હતું. ત્યાર બાદ બિલીએ તેના ડાન્સ ટીચરને આ ગીત મોકલ્યું કે જેમણે તેને કોરિયોગ્રાફીમાં ઘણી મદદ કરી હતી. 2016માં બિલીએ સાઉન્ડક્લાઉડ પર ગીત રિલીઝ કર્યું એ સાથે જ તે વાઇરલ થઇ ગયું. પછી તો તેનો મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયો. શરૂઆતમાં ગીતને કોઇ ખાસ ઓળખ નહોતી મળી પણ ‘ડાર્ક રૂમ’ અને ‘ઇન્ટરસ્કોપ રેકોર્ડ્સ’ દ્વારા તેને ફરી રિલીઝ કરાયું ત્યારે તે ઘણું લોકપ્રિય થયું. ત્યાર બાદ તેમણે ઓશન આઇઝ નામથી જ એક એક્સટેન્ડેડ પ્લે રિલીઝ કર્યું. માર્ચ, 2017માં બિલીએ તેનું બીજું એક ટ્રેક બોર્ડ રિલીઝ કર્યું. એપ્રિલ, 2018માં લવલી આવ્યું, જેમાં તેણે મશહૂર અમેરિકન સિંગર ખાલિદ સાથે કામ કર્યું હતું. 2018માં તેણે બિચીઝ બ્રોકન હાર્ટ્સ અને યુ શુડ સી મી ઇન અ ક્રાઉન જેવા સિંગલ્સ પણ રિલીઝ કર્યા હતા. માર્ચ, 2019માં બિલીએ તેનું ડેબ્યૂ સ્ટુડિયો આલ્બમ વ્હેન વી ઓલ ફોલ અસ્લીપ વ્હેર ડૂ વી ગો રિલીઝ કર્યું.