ભારતના ટોચના ટેનિસ સ્ટાર પાકિસ્તાન સામેની ડેવિસ કપ ટાઈમાંથી નહી રમે

રોહન બોપન્ના, રામકુમાર રામનાથન તેમજ પ્રજ્નેસ ગુન્નાસ્વરન સહિતના ભારતના ટોચના ટેનિસ સ્ટાર્સ આવતા મહિને ઈસ્લામાબાદમાં યોજાનારી પાકિસ્તાન સામેની ડેવિસ કપ ટાઈમાં રમવાના નથી. ટોચના સ્ટાર્સની ગેરહાજરીને કારણે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઇટીએ)ને બીજી હરોળની ટીમ પાકિસ્તાન મોકલવી પડશે. ભારતના નોન-પ્લેઈંગ કેપ્ટન મહેશ ભૂપતિ પણ પાકિસ્તાન પ્રવાસ માટેની ભારતીય ડેવિસ કપ ટીમની સાથે જવાના નથી, જેના કારણે લિએન્ડર પેસને નોન પ્લેઈંગ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ ૨૯-૩૦ નવેમ્બરે ઈસ્લામાબાદમાં ડેવિસ કપ ટાઈ રમાવાની છે. અગાઉ સપ્ટેમ્બરમાં ૧૪-૧૫ના રોજ આ ટાઈ યોજાવાની હતી, પણ ભારતે સલામતિની ચિંતા વ્યક્ત કરતાં આઇટીએફે ડેવિસ કપ ટાઈ નવેમ્બરમાં રમાડવાની જાહેરાત કરી હતી. ભારતે નવા કાર્યક્રમ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. જો અંગે આઇટીએ તેનો અંતિમ નિર્ણય ૩ નવેમ્બરે જાહેર કરશે. જોકે તે પહેલા ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને વિઝાની પ્રક્રિયા હાથ ધરવી પડે તેમ છે.

પાકિસ્તાન જનારી ભારતીય ટીમ

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને પાકિસ્તાનમાં રમાનારી ડેવિસ કપ ટાઈ માટે ૮ ખેલાડીઓની ટીમની પસંદગી કરી છે. ભારતીય ડેવિસ કપ ટીમમાં સાકેત સાઈ મયનેની, સુરેશ કુમાર મનીષ, રાવત સિદ્ધાર્થ, અર્જુન જયંત ખડે, શ્રી રામ બાલાજી અને શશીકુમાર મુકુંદનો સમાવેશ થાય છે. નોન પ્લેઈંગ કેપ્ટન તરીકે લિએન્ડર પેસ રહેશે. ટીમ મેનેજર તરીકે સુન્દર નારાયણ ઐયર, કોચ સઈદ ઝિશાન અલી અને ફિઝિયો અનંત કુમાર પણ ટીમની સાથે જશે. સાકેતની પત્ની શ્રી લક્ષ્મીને પણ ટીમની સાથે જવાની પરવાનગી આપવામાં આવી છે.