ભારતને માત્ર એક સિવાય બધા જ પડોશી સાથે સારા સંબંધો : જયશંકર

પ્રાદેશિક સહકાર મુદ્દે પાકિસ્તાનનો સ્વાભાવિક ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું ભારતને માત્ર એક સિવાય બધા જ પડોશી દેશો સાથે સારા સંબંધો છે. ઈન્ડિયા ઈકોનોમિક ફોરમના એક સત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક કરારની સંભાવના અંગે જયશંકરે કહ્યું કે તે એટલું સરળ નથી. આ ખૂબ જ જટીલ બાબત છે. તેમણે વિશ્વમાં રાષ્ટ્રવાદ વધી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે સાથે એક સત્રને સંબોધતા જયશંકરે જણાવ્યું કે અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન તેમની બેઠકોમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીનો મુદ્દે ચર્ચા થઈ હતી. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા આયોજિત બે દિવસની ઈન્ડિયા ઈકોનોમિક ફોરમમાં જયશંકરે કહ્યું કે અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના સત્ર દરમિયાન વિશ્વના દેશો સાથે કાશ્મીર મુદ્દે, કલમ 370 હટાવવાના તેમજ તે શા માટે હટાવવી પડી તે અંગે વ્યાપક ચર્ચા થઈ હતી.

વિદેશ મંત્રીએ જણાવ્યું કે અનેક દેશો માટે આ વિવાદ નવો હતો. તેમને ખ્યાલ જ નહોતો કે બંધારણની કલમ 370 કામચલાઉ હતી અથવા તેના કારણે દેશના અનેક કાયદાઓનો જમ્મુ-કાશ્મીરમાં અમલ થઈ શકતો નહોતો. પડોશી દેશો સાથે સંબંધો મજબૂત બનાવવાના સંદર્ભમાં જયશંકરે જણાવ્યું કે પ્રાદેશિક સહકારના સંદર્ભમાં માત્ર એક સિવાય બધા જ પડોશી દેશો સાથે ભારતને સારા સંબંધો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે માનસિક્તાનો મુદ્દો છે. તેમને આશા છે કે તે ભારત વિરોધી માનસિક્તામાંથી બહાર આવશે.

તેમણે ઉમેર્યું કે તમે થોડીક વાર માટે કાશ્મીર મુદ્દાને બાજુ પર મૂકો તો અન્ય બધા જ પડોશી દેશો સાથે ભારતનો વેપાર, લોકોથી લોકોનો સંપર્ક અને કનેક્ટિવિટી વધી રહ્યા છે. રાષ્ટ્રવાદના સંદર્ભમાં તેમણે કહ્યું ભારત માટે રાષ્ટ્રવાદ નકારાત્મક ભાવના નથી. આપણે રાષ્ટ્રવાદી છીએ, પરંતુ તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાતું નથી.