ભારત સરકારે ડુંગળી મોંઘી થવાના કારણે નિકાસ બંધ કરતા પાડોશી દેશો માં ડુંગળી 100 ને પાર…

ભારતના કાંદા પર નિર્ભર ઘણા એશિયાઈ દેશોમાં ડુંગળીના ભાવ બમણા થયા છે. જેમાં બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ડુંગળીની કિંમત 120%(100 રૂપિયા) વધી ગઈ છે. જે 15 દિવસ પહેલાની સરખામણીએ બમણી છે અને ડિસેમ્બર 2013 બાદ સૌથી વધારે છે. શ્રીલંકાના મુખ્ય શહેરોમાં ડુંગળીના ભાવો 300 શ્રીલંકાઈ રૂપિયા(117 ભારતીય રૂપિયા)પ્રતિ કિલો થયા છે. અહીં એક સપ્તાહમાં જ ડુંગળીનો ભાવ 50% સુધી ઊંચકાઈ ગયો છે. દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં ડુંગળીના ભાવ 70-80 રૂપિયા કિલો સુધી પહોંચવાના કારણે સરકારે ગત રવિવારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ભારતીય ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ બાદ બાંગ્લાદેશે મ્યાંમાર, ઈજિપ્ત, તુર્કી અને ચીનથી સપ્લાઈ વધાર્યો છે. પરંતુ ભારતીય કાંદા પર નિર્ભરતા એટલી વધારે છે કે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. ગત નાણાંકીય વર્ષમાં ભારતે દુનિયાભરમાં 22 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી. જેમાં અડધા કરતા વધારે નિકાસ એશિયાઈ દેશોમાં કરાઈ હતી.

ચીન અને ઈજિપ્ત જેવા દેશોની સરખામણીએ ભારતથી નિકાસમાં ઓછો સમય લાગતો હોવાથી એશિયાઈ દેશો ભારતીય ડુંગળી પર વધારે નિર્ભર છે. બાંગ્લાદેશના વેપારીઓના કહ્યાં પ્રમાણે, અન્ય દેશ ભારતીય ડુંગળી પર પ્રતિબંધનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેઓ વધારે કિંમતની માંગ કરી રહ્યાં છે. ઈજિપ્તથી સપ્લાઈમાં 1 મહિનો અને ચીનથી લાવવામાં 25 દિવસનો સમય લાગે છે. જેની સરખામણીમાં ભારતને ઓછો સમય લાગે છે.

હાલના સંકટને ધ્યાનમાં રાખતા બાંગ્લાદેશની સરકાર સસ્તા ભાવે ડુંગળી વેચી રહી છે. સરકારી કંપની ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશના પ્રવક્તા હુમાયૂં કબીરના કહ્યાં પ્રમાણે, આયાતના તમામ વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે. હવે ઓછામાં ઓછા ડુંગળી મંગાવવાનું લક્ષ્ય છે.