રાહત / 22 વર્ષ જૂના ચેન પુલિંગ કેસમાં સની દેઓલ તથા કરિશ્મા કપૂર પર લાગેલા આરોપો રદ્દ

જયપુરઃ રાજસ્થાનની જયપુરની એડીજે 17 કોર્ટે શુક્રવારે (11 ઓક્ટોબર) 22 વર્ષ જૂના ટ્રેન ચેન પુલિંગ કેસમાં સની દેઓલ તથા કરિશ્મા કપૂરને રાહત આપી છે. 1997મા ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેન પુલિંગ મામલે રેલવે કોર્ટે બંને વિરુદ્ધ ઘડાયેલા આરોપોમાંથી મુક્તિ આપી છે.

રેલવે કોર્ટે આરોપ લગાવ્યો
કરિશ્મા અને સની દેઓલના વકીલ એકે જૈનએ કહ્યું હતું કે અગાઉ 2009મા કોર્ટે બંને વિરુદ્ધ ચાર્જ લગાવ્યો હતો, જેને કરિશ્મા અને સનીએ 2010મા સેશન કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે કોર્ટે બંનેને ફ્રી કરી દીધા હતા પરંતુ 17 સપ્ટેમ્બરના રોજ રેલવે કોર્ટે બંનેને આરોપી ગણાવ્યા હતાં.

આ ધારા હેઠળ કેસ રજિસ્ટર હતો
કરિશ્મા કપૂર અને સની દેઓલ પર રેલવે એક્ટની ધારા 141 (બિનજરૂરી રીતે ટ્રેન જેવા સંચારના સાધનોમાં હસ્તક્ષેપ), ધારા 145 (નશો અથવા ઉપદ્રવ), ધારા 146 (એક રેલવે કર્મચારીને તેનું કામ ન કરવા દેવું) અને ધારા 147 (અનુમતિ વગર પ્રયોગ) હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.

શું હતો સમ્રગ મામલો?
આ કેસમાં કરિશ્મા અને સની સિવાય સ્ટંટમેન ટીનુ વર્મા અને સતીશ શાહ વિરુદ્ધ પણ 2010મા આરોપ લાગ્યા હતા. 1997મા સની અને કરિશ્મા ફિલ્મ ‘બજરંગી’નું શૂટિંગ કરી રહ્યાં હતાં. રાજસ્થાનના અજમેરના ફુલેરામાં શૂટિંગ કરી રહ્યાં હતાં. શૂટિંગ દરમિયાન 2413-એ અપલિંક એક્સપ્રેસની ઇમરજન્સી બ્રેક લગાવી હતી, જેને કારણે ટ્રેન 25 મિનિટ લેટ પડી હતી. તે સમયે સ્ટેશન માસ્ટર સીતારામ મલાકારે ફિલ્મ સાથે જોડાયેલ મેમ્બર્સ વિરુદ્ધ રેલવે પોલીસમાં કેસ રજિસ્ટર કરાવ્યો હતો.