શ્વેતા તિવારીની દીકરી પલકે સાવકા પિતાને લઈ કહ્યું, તે અણછાજતી કમેન્ટ્સ કરતાં હતાં

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી દીકરી પલક સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી અને તેણે બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. શ્વેતાએ પતિ પર ગંભીર આરોપો મૂક્યા છે. શ્વેતા તથા અભિનવના સંબંધોને લઈ અનેક ચર્ચાઓ થવા લાગી હતી. આ ચર્ચા દરમિયાન શ્વેતાની દીકરી પલકે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી છે. બ્લેક ઈમેજ સાથે પલકે પોતાના મનની વાત કહી છે. તેણે કહ્યું હતું કે મીડિયા તેમને ક્યારેય પૂરી વાત કહેશે નહીં. પલકે એમ પણ કહ્યું હતું કે તેના પિતાએ ક્યારેય તેની સાથે શારીરિક હિંસા કરી નથી પરંતુ તેઓ અણછાજતી કમેન્ટ્સ કરતાં હતાં.

પલકે કહ્યું હતું, ‘સૌ પહેલાં હું એ દરેક વ્યક્તિનો આભાર માનીશ, જેમણે ચિંતા પ્રગટ કરી અને અમને સપોર્ટ કર્યો. બીજી વાત એ કે હું તમને મારી વાત કહી રહી છું અને કેટલીક વાતો સ્પષ્ટ કરવા માગું છું. મીડિયાની પાસે પૂરું તથ્ય છે નહીં અને ક્યારેય આવશે પણ નહીં.’

પલકે આગળ કહ્યું હતું, ‘મારી માતા નહીં પણ હું પલક તિવારી અનેકવાર ઘરેલું દુર્વ્યવહારનો શિકાર બની છું, જે દિવસે ફરિયાદ કરી તે દિવસને છોડી દેવામાં આવે તો તેણે (સાવકા પિતા) મારી માતાને ક્યારેય મારી નથી. વાચક હોવાને કારણે આ ઘણું જ સરળ છે કે તમે આ વાતને ભૂલી જઈ શકો છો કે બંધ દરવાજાની પાછળ શું થઈ રહ્યું છે. મારી માતાએ પોતાના બંને લગ્નમાં ઘણી જ દ્રઢતા તથા સાહસ બતાવ્યું છે.’

પલકે વધુમાં કહ્યું હતું, ‘આ કોઈનું પણ ઘર તથા પરિવાર છે, જેના પર તમે લખી રહ્યાં છો, કોઈનું જીવન છે, જેના પર તમે ચર્ચા કરો છે. તમારામાંથી અનેક નસીબદાર છે, જે ક્યારેય આવી ધૃણાસ્પદ ઘટનાક્રમનો હિસ્સો બન્યા નથી. આથી જ તમને કોઈ અધિકાર નથી કે કોઈની પણ ઈમેજ પર કમેન્ટ કરવાનો, ચર્ચા કરવાનો કે પછી ભેદભાવ તથા અધૂરી માહિતીથી ભરેલા પેઈન્ટ બ્રશથી તેને રંગવાનો…’

પલકે દુઃખી થઈને કહ્યું હતું, ‘આ ઘણું જ ધૃણાસ્પ્રદ છે અને આ સમય છે, જ્યારે મારે મારી માતા માટે સ્ટેન્ડ લેવાનું છે. તે સૌથી સ્ટ્રોંગ મહિલા છે, જેમને હું ઓળખું છું. જો આ બધાને એક બાજુએ મૂકી દેવામાં આવે તો હું એક માત્ર વ્યક્તિ છું, જેને તેમના સંઘર્ષ તથા દરેક દિવસને ઉગતા તથા આથમતા જોયો છે. માત્ર મારું જ નિવેદન મહત્ત્વનું છે.’

પલકે કહ્યું હતું, ‘સાવકા પિતા (અભિનવ કોહલી)એ ક્યારેય તેની સાથે શારીરિક હિંસા કરી નથી. મને ક્યારેય ખોટી રીતે સ્પર્શ કર્યો નથી. આ રીતની વાતો કરતાં પહેલાં કે પ્રકાશિત કરતાં પહેલાં એ જરૂરી છે કે વાચક તરીકે તમે સાચી વાત જાણો. તમે આંખો બંધ કરીને કંઈ પણ પ્રકાશિત ના કરો. જોકે, તેણે સતત અનુચિત તથા મુશ્કેલીમાં મૂકતી ટિપ્પણીઓ કરી હતી, જેની જાણ માત્ર ને માત્ર મને અને મારી માતાને છે. જો કોઈ મહિલા જીવનના કોઈ પણ તબક્કે આમાંથી પસાર થઈ હશે, તો તેને આ બધું સાંભળીને શરમ આવશે અને ગુસ્સો આવશે. શબ્દ, જે કોઈ પણ મહિલાની ઈજ્જતને તાર-તાર કરી શકે છે, શબ્દ જે તમે કોઈ પણ પુરુષ પાસેથી સાંભળી શકો છો પરંતુ પોતાના પિતા પાસેથી તો નહીં જ.’

છેલ્લે પલકે કહ્યું હતું, ‘સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપરમાં અમારા અંગે આવતા આર્ટિકલ્સમાં અમારા સંઘર્ષની વાત કરવામાં આવે છે પરંતુ તેના પર ટિપ્પણી કરવા માટે તે ક્યારેય પૂરતું નથી. એક દીકરી તરીકે હું તમને કહીશ કે મારી માતા એક સન્માનિત મહિલા છે, જેને હું મળી છું.’