સફળતા / કોઇપણ તાલિમ લીધા વગર 2 વર્ષમાં 24 મેડલ સાથે ભરૂચ SPનાં પત્નીની શૂટિંગ ક્ષેત્રે સિદ્ધિ

ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા ચુડાસમાએ શૂટિંગ ક્ષેત્રે હાથ અજમાવી વિવિધ સ્પર્ધાઓમાં માત્ર 2 વર્ષમાં જ 24 જેટલાં મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમણે એરપિસ્ટલ તથા સ્પોર્ટસ પિસ્ટલ શુટિંગની વિવિધ ઈવેન્ટસમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

વંદનાબા ચુડાસમાએ છેલ્લા 2 વર્ષથી શૂટિંગ ક્ષેત્રે શરૂઆત કરી હતી. કોઈ કોચની તાલિમ લીધા વિના સ્વબળે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની શૂટિંગ સ્પર્ધામાં એરપિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ તથા સિંગલ ટ્રેપ શુટીંગની ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જયપુર ખાતે યોજાયેલી 29 મી ઓલ ઈન્ડિયા જી.વી માવલંકર શુટીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ તથા અન્ય સ્પર્ધાઓમાં મળી કુલ બે વર્ષમાં 24 મેડલ પોતાના નામે કર્યા છે. સાથોસાથ નેશનલ શૂટિંગ કોમ્પિટિશન માટે પણ ક્વોલિફાય થતાં એર પિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ તથા સિંગલ અને ડબલ ટ્રેપ શૂટીંગ માટે તૈયારી કરી રહ્યાં છે. તેમણે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.