હગિબીસ / જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાને લીધે આકાશ ગુલાબી થયું, 42 લાખ લોકોને ખસેડાયા

ટોક્યો: જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા હગિબીસની અસરના લીધે રાજધાની ટોક્યોમાં આકાશ ગુલાબી થઇ ગયું હતું. આ વાવાઝોડું શનિવારે કિનારે ત્રાટકે તેવી આશંકા છે. આ પહેલા કિનારાના વિસ્તારમાં તબાહી દેખાઇ રહી છે. 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે. ઘણા ઘરોને નુકશાન થયું છે. પ્રશાસને લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે.

ભારે પવનના કારણે થયેલા તાંડવના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. પવન એટલી ગતિમાં છે કે રસ્તાઓ પર ગાડીઓ પલટી ગઇ છે અને એક વ્યક્તિની મોતના પણ સમાચાર છે. વાવાઝોડના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે. કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ જાપાનના દસ પ્રાંતોમાં લગભગ 42 લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે.

દરેક હવાઇ અને ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી
જાપાનમાં દરેક હવાઇ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે. જાપાનની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ ઉડાનો રદ્દ કરી દીધી છે. રેલવે નેટવર્કને પણ બંધ કરવામાં આવ્યું છે. ટોક્યોમાં દરેક થિયેટર્સ, શોપિંગ મોલ અને કારખાના બંધ કરવામાં આવ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

રગ્બી વિશ્વકપ અને ગ્રાન્ડ પિક્સ મુલતવી
જાપાનમાં રગ્બી વિશ્વકપ સહિત દરેક મેચ રદ્દ કરીને ખેલાડીઓને પાછા મોકલવામાં આવ્યા છે. તે સિવાય ફોર્મ્યૂલા વન રેસિંગના લોકપ્રિય આયોજન જાપાનીઝ ગ્રાન્ડ પિક્સને મુલતવી રાખવામાં આવ્યું છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. એક દિવસ પહેલા તેમણે લોકોને ભોજન અને દવાઓ સાથે રાખવા કહ્યું હતું. જાપાનમાં 1958માં આ પ્રકારના વાવાઝોડાથી ભારે તબાહી થઇ હતી. ત્યારે 1200 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો બેઘર થઇ ગયા હતા.