NCPએ કોંગ્રેસ પર ફોડ્યુ ઠીકરું, રાઉતને હોસ્પિટલ મળવા પહોંચ્યા શરદ પવાર

મહારાષ્ટ્રમાં સત્તાનું સમીકરણ બનતું નથી ત્યારે હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપના દૌર શરૂ થઈ ગયા છે. એનસીપીના નેતા અજીત પવારે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે અમે સોમવારે આખો દિવસ કોંગ્રેસના સમર્થન પત્રની રાહ જોઈ, કારણ કે કોંગ્રેસ વગર અમારા સમર્થનનો કોઈ અર્થ નથી.અજીત પવારે વધુમાં કહ્યું કે સ્થાયી સરકાર આપવા માટે કોંગ્રેસે આવવું જરૂરી છે. અજીતે કહ્યું કે અમારા તરફથી કોઈ વાતને લઈને મોડું નથી થઈ રહ્યું, ત્યારે તેઓએ કોંગ્રેસ સાથે વાત કરશે તેમ જણાવ્યું. સાથે જ રાજ્યપાલ પાસે વધુ સમય માગવાનો પ્રયાસ પણ કરીશું તેવી પ્રતિક્રિયા આપી હતી.

 

 

તો સત્તાના સંગ્રામ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર, સંજય રાઉતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારે બપોરે સંજય રાઉતની તબિયત લથડતા તેઓને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંજય રાઉતે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારથી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે ત્યારથી શિવસેના તરફથી સંજય રાઉતે મોરચો સંભાળ્યો છે. તેઓ સતત ભાજપ સામે આક્રમક વલણ અપનાવતા રહ્યા. સંજય રાઉત શિવસેનાના નેતા હોવાની સાથે શિવસેનના મુખપત્ર સામનાના સંપાદક પણ છે.