માયાનગરી મુંબઈમાં ઝાડને લઈને ઉભી થઈ બબાલ, અનેક સેલેબ્સ પડ્યા સરકાર સામે મેદાને

બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ મુંબઈ ઓથોરિટીએ અડધી રાત્રે આરે જંગલના આશરે 400 વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતાં. આ મામલે દેશભરમાં ભારે હોબાળો મચી જવા પામી છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. હવે આ મામલે બોલિવૂડ સેલેબ્રિટીઓ પણ મેદાને પડી છે.

ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડ સેલેબ્સ આરે કોલોનીના વૃક્ષને કપાતા બચાવવા માટે પોસ્ટ મૂકી રહ્યા છે.

આરે ફોરેસ્ટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સાઈટ પર સીઆરપીસી ધારા 144 લાગુ કરી દેવાઈ છે. પોલીસે અત્યાર સુધી ઝાડ કાપવા પર વિરોધ કરી રહેલા 38 લોકોની ધરપકડ કરી છે. સોશિયલ એક્ટિવિસ્ટે દાવો કર્યો છે કે, મેટ્રો કન્સ્ટ્રક્શનને કારણે અત્યાર સુધી 2600 ઝાડને જમીન દોસ્ત કરી દીધા છે, જેમાંથી શુક્રવારે રાત્રે 400 વૃક્ષ કાપવામાં આવ્યા છે.

આ મામલે અભિનેત્રી આલિયા ભટ્ટે ટ્વિટર પર લખ્યું છે કે, વધતીજતી વસ્તી માટે કન્સ્ટ્રક્શન કરવું જરૂરી છે, પણ આપણે નેચરની પણ જરૂર છે, આપણી જિંદગી તેની પર નિર્ભર છે.આપણે વૃક્ષો અને લીલોતરીની જરૂર છે.

તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. સિદ્ધાર્થે ટ્વીટ લખ્યું છે કે, મેં ગઈ કાલે આરે વિસ્તારમાં વૃક્ષો કપાતા હોવાના ન્યૂઝ જોયા, આ સાચેમાં ટેરિબલ છે. હું ઓથોરિટીને આ રોકવા માટે વિનંતી કરું છું.

ફિલ્મ નિર્માતા કરન જોહરે ગુસ્સો ઠાલવતા લખ્યું કે, આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છીએ. હાલ જે થઈ રહ્યું છે તેને રોકવાની જરૂર છે. વિશાલ દદલાણીએ પણ વૃક્ષ કપાતા હોવાનો વીડિયો શેર કરીને પીએમ મોદી અને સીએમ દેવેન્દ્ર ફડણવીસને ટેગ કર્યા છે. એક્ટર્સ દિયા મિર્ઝાએ ટ્વીટ કરીને આરે કોલોનીની હાલત બતાવી છે. તેણે લખ્યું કે, શું આ ગેરકાયદેસર છે? ફરહાન અખ્તરે પણ આરે હેશટેગ મારીને ટ્વીટ કર્યું છે. એક્ટ્રેસ અને પોલિટિશિયન ઉર્મિલાએ પણ લખ્યું કે, મોદી રાત્રે આરે ફોરેસ્ટમાં વૃક્ષ કપાયાના સમાચાર સાચેમાં દુઃખદ છે.

બી ટાઉન સેલિબ્રિટી, એન્વાયરોન્મેન્ટ એક્ટિવિસ્ટ અને પોલિટિકલ લીડર્સ મેટ્રો સ્ટેશનના કાર શેડના કન્સ્ટ્રક્શન માટે કપાઈ રહેલા વૃક્ષોનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્ટોપનું લોકેશન બદલવા માટેની માગ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરે કોલોનીમાં કપાઈ ગયેલા વૃક્ષ સામે કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હાથમાં પોસ્ટર લઈને રસ્તા પર દેખાવ કરી રહ્યા છે.