મુંબઇમાં 2700 વૃક્ષોના નિકંદન મુદ્દે સુપ્રીમમાં આજે સુનાવણી

મુંબઇમાં સરકારે આશરે 2700 જેટલા વૃક્ષોને કાપી નાખવાનો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકોમાં ભારે રોષ વધી રહ્યો છે. જે લોકો વૃક્ષો બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે તેની જ અટકાયત કરવામા આવી રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમની નોંધ હવે સુપ્રીમ કોર્ટે લીધી છે અને સુઓ મોટોના ભાગરૂપે આ મામલાની સુનાવણી કરશે.

200 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા
મુંબઇની આરે કોલોનીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સરકારે 200 વૃક્ષો કાપી નાખ્યા છે જ્યારે બીજા 2500 જેટલા વૃક્ષો હજુ પણ કાપવાના છે. આ કામગીરી ચાલી રહી છે જેનો આ કોલોનીના રહેવાસીઓ ભારે વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. જોકે પોલીસે વૃક્ષો બચાવવા માટે અવાજ ઉઠાવનારાઓની જ અટકાયત કરી કેસ દાખલ કરી દીધો છે.

સુઓ મોટોના ભાગરૂપે સુનાવણી
બીજી તરફ સુુપ્રીમ કોર્ટની એક વિશેષ બેંચ હવે આ મામલાની સુઓ મોટોના ભાગરૂપે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશીત નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એક વિશેષ બેંચની રચના સાતમી ઓક્ટોબરે સવારે 10 વાગ્યે આ કેસની સુનાવણી માટે ગઠીત કરવામાં આવી છે.

કોણ ગયું હતું રજૂઆત કરવા માટે ?
નોઇડાના કાયદાના વિદ્યાર્થીઓનું એક ગુ્રપ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ સમક્ષ રજુઆત કરવા ગયુ હતું. આ રજુઆતમાં વિદ્યાર્થીઓએ માગણી કરી હતી કે તાત્કાલીક ધોરણે આ મામલામાં સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવાની જરૂર છે. આ રજુઆતને સુપ્રીમ કોર્ટે સુઓમોટો તરીકે લીધી છે અને પોતાની રીતે જ આ મામલાની હવે સુનાવણી કરશે.