શારદાબહેન હોસ્પિટલના ડૉક્ટરોના ક્વાટર્સમાં આગ લાગતા દોડધામ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં રેસીડન્ટ ડૉક્ટરોના ક્વાટર્સમાં ગુરૂવારે સવારે એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી જેમાં પલંગનું ગાદલું સહિતનો સામાન બળી ગયો હતો. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાઇ હતી. જોકે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થવા પામી નહોતી.

રેસીડન્ટ ડૉક્ટરોની ગલ્સ હોસ્ટેલના આ ક્વાટર્સમાં આગ લાગવાના બનાવને પગલે હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી.નોંધપાત્ર છેકે ગઇકાલે બુધવારે હોસ્પિટલના ફિમેલ વોર્ડમાં પંખો પડયો હતો. જેમાં સદનસીબેન બે મહિલા દર્દીનો બચાવ થયો હતો. પરંતુ તેમના સગાને સામાન્ય ઇજા થઇ હતી. આજે વળી આગ લાગવાના બનાવે શારદાબહેન હોસ્પિટલ અને હોસ્ટેલમાં વીજ વાયરો, વીજ ઉપકરણોની સ્થિતિ અને મરામત અંગે દાખવાતી બેદરકારી સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ રેસીડન્ટ ડૉક્ટરોની હોસ્ટેલોના મકાનો વર્ષો જુના અને જર્જરિત અવસ્થામાંછે. દિવાલો અને છતના પોપડા ઉખડી પડયા છે, બારી-બારણા અને દિવાલો પર ઉધઇનો ત્રાસ છે. સફાઇનો અભાવ જોવા મળે છે. હોસ્ટેલમાં કોમન ટોઇલેટ-બાથરૂમ છે. જેને લઇને રેસીડન્ટ ડોક્ટરોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.